રાજયમાં જુલાઈ મહિનામાં નવા વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો થયો છે હવે આવનારા દિવસો-મહિના પવિત્ર તહેવારોના રહેવાના છે. ત્યારે વાહનોનાં વેચાણમાં વધુ વધારો અપેક્ષીત છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસો.ના રીપોર્ટ પ્રમાણે ચોમાસાનો વરસાદ સારો થતાં નવુ શૈક્ષણીક વર્ષ શરૂ થતા અને આગામી તહેવારોની સીઝનને પગલે નવા વાહનોનાં વેચાણમાં વધારો છે. સમગ્ર ભારતમાં જુલાઈ માસમાં નવા વાહનોના વેચાણમાં સરેરાશ 10 ટકાનો વધારો છે. જયારે ગુજરાતમાં વિવિધ વાર્ષિક ધોરણે 35 ટકાની વેંચાણ વૃદ્ધિ છે.વિક્રેતાઓનાં કહેવા પ્રમાણે નવા મોડેલ લોંચ થવા સાથે સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યુ છે.
જુન માસથી ટુ-વ્હીલરનાં વેચાણમાં વધારો શરૂ થયો હતો. તે જુલાઈમાં યથાવત રહ્યો હતો.શૈક્ષણીક પરિણામો બાદ સ્કુલો ખુલવા સાથે બાળકો માટે ટુ-વ્હીલરની ખરીદીનો ટ્રેંડ વધી રહ્યો છે.કારમાં એસયુવીની બોલબાલા છે અને તેમાં નવા મોડલ ઉમેરાતા હોવાથી વેચાણ વધી રહ્યું છે. સારા ચોમાસાને કારણે ગ્રામ્ય ડીમાંડમાં વધારો જોવા મળ્યો છે. હવેના બે-ત્રણ મહિના તહેવારોનાં છે અને તેમાં સારી ડીમાંડ રહેવાના આશાવાદથી 50 થી 55 દિવસનો સ્ટોક થવા લાગ્યો છે. વાહનોના વેચાણમાં સરેરાશ વધારો હોવા છતાં એન્ટ્રી લેવલનાં વાહનોનું ઘટતુ વેચાણ ચિંતાજનક છે. અર્થાત નવા ગ્રાહકોનું વાહન લેવાનું પ્રમાણ હજુ નોંધપાત્ર વધતુ નથી.