ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો છે, અને હંગેરીના બુડાપેસ્ટમાં પુરુષોની ભાલા ફેંકમાં સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જ નીરજ વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપના 40 વર્ષના ઈતિહાસમાં ગોલ્ડમેડલ જીતનારો સૌ પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયો છે.
નીરજે જબરદસ્ત દેખાવ કરતાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતના આ સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ત્રીજો મેડલ મળ્યો છે. જ્યારે નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં એકથી વધુ મેડલ જીતનારા સૌ પ્રથમ ભારતીય તરીકે પણ રેકોરડ બુકમાં સ્થાન મેળવ્યું છે.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા જીતી લીધી. તમારી સિદ્ધિઓ પર સમગ્ર દેશને ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમત ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ભારતીય સેનાએ સુબેદાર નીરજ ચોપરાને બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પુરુષોની ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસે તેના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું, ‘ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર વિશ્વ મંચ પર તિરંગો ફરકાવ્યો છે. નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. દેશનું સન્માન વધારવા માટે નીરજ ચોપરાને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.






