ભારતના ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથ પ્રથમ ત્રિમાસિક ( એપ્રિલ-જૂન)માં 7.8 ટકા રહી છે. સરકારે આ આંકડા જાહેર કર્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ અનુસાર, સર્વિસેસ અને મેન્યુફેક્ચરિંગને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની ઇકોનોમી એક વર્ષમાં સૌથી ઝડપથી વધી છે.
એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીમાંથી ઉગારવામાં સર્વિસ સેક્ટરની મજબૂત વૃદ્ધિનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. નાણાંકીય વર્ષ 2022-23માં જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા નોંધાયો હતો. વપરાશથી જોડાયેલ મજબૂત માંગ અને સર્વિસ સેક્ટરની કામગીરીમાં ઉછાળાના કારણે જૂન ક્વાર્ટરમાં સારો જીડીપી ગ્રોથ મેળવવામાં મદદ મળી છે.
સરકારી ડેટા મુજબ ગત નાણાંકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ગ્રોથ રેટ 13.1 ટકા નોંધાઈ હતી. તો બીજીતરફ જુલાઈમાં કોર સેક્ટરના ગ્રોથમાં ઘટાડો થયો છે. સરકારી આંકડા મુજબ જુલાઈ મહિનામાં કોર સેક્ટર ગ્રોથ રેટ 8 ટકા નોંધાયો. એક વર્ષ પહેલા સમાન મહિનામાં કોર સેક્ટરની ગ્રોથ 4.8 ટકા નોંધાયો હતો. વર્તમાન નાણાંકીય વર્ષના જૂન મહિનામાં 8 મળભૂત ઉદ્યોગનો ગ્રોથ રેટ 8.3 ટકા નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, સર્વિસ સેક્ટરમાં નબળી કામગીરીના કારણે ચીન સહિત ઘણા દેશોની ઈકોનોમી ડગમગી રહી છે, જ્યારે ભારત મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર દેશ બનેલો છે. ચીનની જીડીપી ગ્રોથ રેટ જૂન ક્વાર્ટરમાં 6.3 નોંધાઈ છે.





