અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધી પૂરુ થઈ જશે અને પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ થશે.
રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જી મહારાજે જણાવ્યું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી અનુષ્ઠાન થશે. અમારા તરફથી પીએમઓને પત્ર લખવામાં આવ્યો અને તેનો જવાબ પણ આવી ગયો છે. હવે નક્કી થઈ ચુક્યું છે કે 22 જાન્યુઆરીએ પીએમ મોદી અયોધ્યા આવશે તો પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે થશે. આ કાર્યક્રમ માટે અન્ય લોકોને પણ બોલાવવામાં આવ્યા છે.
નૃપેન્દ્ર મિશ્રાએ તે પણ કહ્યું કે એક ઉપકરણ ડિઝાઇન કરવા પર કામ ચાલી રહ્યું છે, જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના માથા પર સૂર્યના કિરણ ક્ષણભર માટે પડશે. તેમણે કહ્યું કે તેને બેંગલુરૂમાં બનાવવામાં આવી રહ્યું છે અને તેની ડિઝાઇનની દેખરેખ વૈજ્ઞાનિક કરી રહ્યાં છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકી અને પુણેની એક સંસ્થાએ સંયુક્ત રીતે આ માટે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ બનાવ્યો છે.



