સુરતના અઠવા પોલીસ મથકની હદમાં 30,000 રૂપિયાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં એક યુવાનને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા અઠવા પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં 2 આરોપીને પણ ઇજા થઇ છે, જે હાલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે.
સલાબતપુરાના મોમનાવાડમાં રહેતા યુવાને પોતાના પરિચિત યુવક પાસેથી 30 હજાર રૂપિયા હાથ ઉછીનાં લીધા હતા.જે રૂપિયા પરત ન કરતા યુવાનના મિત્રએ રૂપિયાનો હવાલો લીધો હતો અને રૂપિયા પરત કરી દેવાની ખાતરી આપી હતી.પરંતુ સમય વીત્યા બાદ પણ રૂપિયા નહિ મળતા આરોપીઓ અઠવા વિસ્તારમાં આવેલ ચાની ઠેકડી પર પોહચ્યા હતા. જ્યાં હવાલો લેનાર યુવાનનો મોબાઈલ ફોન લઈ લેતા તેણે પોતાના મિત્ર, ભત્રીજા સહિત ચાર લોકોને ત્યાં બોલાવી લીધા હતા.જ્યાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલામાં યુવાનના મિત્ર રઝા હુસૈનીનું મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.




