સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણકારી મળતા પાંચ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. આગને લઈ કાપડ માર્કેટમાં અફરાતફરી જોવા મળી રહી છે. માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો છે. જ્યારે આગને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. જે બાદ તરત જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે. જેના લીધે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
આજે સવારે ગુજરાતની સૌથી મોટી બોમ્બે કાપડ માર્કેટમાં આગ લાગી હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી.જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ખાસ કરીને હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે. હાલ માર્કેટમાં તહેવારની ગ્રાહકી જોવા મળી રહી છે.
હાલ માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, તહેવારને પગલે માર્કેટમાં સેલ લાગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે, ત્યારે જ્યાં સુધી માર્કેટ ક્લિયર નહીં થાય ત્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ચોક્કસ વેપારીઓને નુકસાન પહોંચશે. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.




