અરવલ્લીના ભિલોડાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પી.સી બરંડાના મકાનમાં ગત સપ્ટેમ્બર માસમાં લૂંટનો બનાવ બન્યો હતો. ત્યારે અરવલ્લી પોલીસે લૂંટની ઘટનાના 23 દિવસ બાદ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. જિલ્લા એલસીબી પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. ધારાસભ્યના ઘરે કામ કરતા નોકરે જ અન્ય 3 લોકોને સાથે રાખી સમગ્ર લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
કેસની વિગત એવી છે કે, ગત સપ્ટેમ્બર માસમાં 15મી તારીખે અરવલ્લીના ભિલોડાના ભાજપના ધારાસભ્ય પી.સી બરંડાના શામળાજી પાસે વાકાટીંબાના મકાનમાંથી 15 તોલા સોનું અને 40 હજારની લૂંટ કરી શખ્સો ફરાર થયા હતા. જોકે, લૂંટ દરમિયાન ધારાસભ્ય ગાંધીનગરમાં હતા. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ચકચારી લૂંટ કેસમાં અરવલ્લી જિલ્લા પોલીસે 23 દિવસ બાદ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. જિલ્લા એલસીબી પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. ઓરાપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ધારાસભ્યના ઘરમાં કામ કરતા નોકરે જ અન્ય 3 લોકોને સાથે રાખી સમગ્ર લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ૬ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, હુજ એક આરોપી ફરાર છે તેની પકડવા પોલીસે કવાયત તેજ કરી છે.





