સોમવારે ઈઝરાયલની સંસદનું વિશેષ સત્ર થયું હતું. જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સિવાય હિઝબુલ્લાહ અને ઈરાનને પણ ચેતવણી આપી હતી. નેતન્યાહુએ કહ્યું- હમાસ સાથેનું યુદ્ધ હકીકતમાં અંધકાર અને પ્રકાશ વચ્ચેના યુદ્ધ જેવું છે. અમે અમારા દુશ્મનોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તેઓ ઇઝરાયલને અજમાવવાની ભૂલ ન કરે. પરિણામો ખૂબ ગંભીર હશે.
ઇઝરાયલની સંસદનું શિયાળુ સત્ર સોમવારે શરૂ થયું હતું. થોડીવાર પછી એલર્ટ સાયરન વાગવા લાગ્યા. આ સમયે એક મહિલા સાંસદ બોલી રહ્યા હતા. તેમણે ભાષણ બંધ કર્યું અને તરત જ તમામ સાંસદો અને વડાપ્રધાન બંકર જેવા રૂમમાં ગયા. થોડા સમય પછી ફરી કાર્યવાહી શરૂ થઈ. નેતન્યાહુએ ભાષણ આપ્યું હતું.ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું- આપણા દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ લાગે છે કે આજે પણ આપણે આઝાદીની લડાઈ લડી રહ્યા છીએ. હું દેશને કહેવા માગુ છું કે આ આપણા અસ્તિત્વની લડાઈ છે અને આપણે જીતીશું.
નેતન્યાહુએ સંસદમાં એક મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી હતી. કહ્યું- એમાં કોઈ શંકા નથી કે અમે ભૂલો કરી છે અને તેના કારણે હમાસ 7 ઓક્ટોબરના હુમલાને અંજામ આપી શક્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે. હમાસ પણ દુનિયા માટે જોખમ છે. હવે હિઝબુલ્લાહ પણ ઈરાનના ઉશ્કેરણી પર હુમલા કરી રહ્યું છે. હું બધાને એટલું જ કહીશ કે અમને અજમાવવાની ભૂલ ન કરે, તેનાં પરિણામો ખૂબ જ ખતરનાક આવશે.
રવિવાર અને સોમવાર વચ્ચે ગાઝામાં 254 લોકો માર્યા ગયા. અત્યાર સુધીમાં કુલ 2808 લોકોનાં મોત થયા છે. 10 હજાર 850 લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં 60% મહિલાઓ અને બાળકો હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો છે કે ગાઝામાં હમાસે 199 ઇઝરાયેલીઓને બંધક બનાવીને રાખ્યા છે જ્યારેઅત્યાર સુધી હમાસના હુમલામાં ઇઝરાયેલના 1400 લોકોના જીવ ગયા છે.
ખાડી દેશોની સંસ્થા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની એક મહત્ત્વપૂર્ણ બેઠક મંગળવારે મસ્કતમાં યોજાશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઓમાને આ બેઠક બોલાવી છે. ઇઝરાયેલના હમાસ-હિજબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન તેલ અવીવ જશે. યૂએસના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા ઇઝરાયેલ સાથે ઉભુ છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો હતો અને બન્ને વચ્ચે વાતચીત થઇ હતી.