ગુજરાતમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં GST વિભાગે અમદાવાદ સહિત સાત શહેરોમાં દરોડા પાડીને 22 કરોડની કરચોરી પકડી પાડી છે. GST વિભાગે મોબાઈલના વેપારીઓને ત્યાં રેડ પાડી હતી. જેમાં બિલ વગર વેચાઈ રહેલા મોબાઈલ પર લગામ કસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ રેડ દરમિયાન 500 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મોબાઇલના વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કરચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે દરોડા પાડયા હતા. GST વિભાગે અમદાવાદ સહિત સાત શહેરોમાં આજે દરોડા પાડ્યા હતાં. જેમાં 79 સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. GST વિભાગે અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ, જુનાગઢ, વડોદરા અને મહેસાણા સહિત 7 શહેરોમાં મોબાઈલ ફોનના 79 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 22 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
GST વિભાગે અમદાવાદમાં 57 જેટલા મોબાઈલ ફોનના વેપારી ઉપર દરોડા પાડ્યા છે. જેમાં SGST વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડની વસૂલાત કરી છે. તપાસમાં બિલ વગરના 500થી વધુ જેટલા મોબાઈલ ફોન મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. SGST વિભાગ દ્વારા ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક ડોક્યુમેન્ટો જપ્ત કરાયા છે અને તેની ચકાસણી ચાલુ છે. તપાસને અંતે તેની રકમ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.