વિશ્વના સૌથી પ્રખ્યાત TIME મેગેઝિને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતીય મૂળના નવ લોકોને સામેલ કર્યા છે. જેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાથી લઈને ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક ભાવિશ અગ્રવાલનો સમાવેશ થાય છે. TIME મેગેઝીને ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે કામ કરી રહેલા વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં બિઝનેસ જગતથી લઈને સંગીત જગતના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય મૂળના નવ અમેરિકનો છે.
મેગેઝિનમાં પ્રકાશિત ‘TIME 100 ક્લાઈમેટ’ યાદીમાં વિશ્વભરના સીઈઓ, સ્થાપકો, સંગીતકારો, નીતિ નિર્માતાઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. યુએઈમાં 30 નવેમ્બરથી યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ 2023 પહેલા આ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક ભાવિશ અગ્રવાલ, ધ રોકફેલર ફાઉન્ડેશનના પ્રમુખ રાજીવ જે શાહ, બોસ્ટન કોમન એસેટ મેનેજમેન્ટના સ્થાપક ગીતા અય્યર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જીગાહ શાહ, હસ્ક પાવર સિસ્ટમ્સના સીઈઓ અને સહ-સ્થાપક મનોજ સિન્હા, સીમા વાધવા, કૈસર પરમેનેન્ટેના પર્યાવરણ વ્યવસ્થાપનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મહિન્દ્રા લાઇફસ્પેસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અમિત કુમાર સિંહા સામલે છે.
TIME મેગેઝિને ગુરુવારે યાદી બહાર પાડતાં કહ્યું કે અમે તમામ ક્ષેત્રોમાંથી ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરી રહેલા લોકોને યાદીમાં સ્થાન આપ્યું છે. પરંતુ અમને લાગે છે કે આ ક્ષેત્રમાં કામ કરતા વધુ લોકોને પણ સામેલ કરી શકાયા હોત.