અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર વન-ડે વર્લ્ડકપની ફાઈનલ મેચનું કાઉન્ડડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. બીજી તરફ આ મેચને યાદગાર બનાવવા માટે ચાર ભાગમાં ફાઈનલ સેરેમની યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ ઈન્ડિયન એરફોર્સની ટીમ 10 મિનિટ સુધી એર શો કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે. વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે.
હાફ ટાઈમ પરફોર્મન્સ સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે રહેશે. પરેડ ઓફ ચેમ્પિયન્સ હેઠળ મેચ દરમિયાન પ્રથમ વખત વર્લ્ડકપ વિજેતા કેપ્ટનનું સન્માન કરવામાં આવશે. BCCI વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોનું સન્માન કરશે. વર્લ્ડકપની મેચ દરમિયાન અગાઉ વર્લ્ડકપ જીતની ક્ષણની હાઇલાઇટ્સની 20 સેકન્ડની રીલ પ્લે કરવામાં આવશે. સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોર્મન્સ કરશે. આ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ 500 ડાન્સર્સ પણ પરફોર્મ કરશે. દેવા ઓ દેવા, કેસરિયા, લેહરા દો, જીતેગા જીતેગા ગીતો ગુંજશે.
રાતે 8.30 વાગ્યે 90 સેકન્ડ્સ માટે લેસર શો થશે. મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. સાથે 1200 ડ્રોન રાત્રે મનમોહક આકૃતિ બનાવશે. આ પછી આતશબાજી કરવામાં આવશે. નોંધનીય છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ રમાઈ રહી છે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.