વર્લ્ડ કપ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના વેપારીઓને ફળ્યો છે. વર્લ્ડકપને કારણે ટીશર્ટોનું મોટા પાયે વેચાણ થતા 50 કરોડનું ટર્ન ઓવર થયું છે. વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી જ ક્રિકેટની ટીશર્ટોનું વત્તા-ઓછા પ્રમાણમાં વેચાણ થતું હતું પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ અને ત્યારબાદની મેચમાં સારા પર્ફોમન્સને કારણે અંદાજિત 20 લાખથી વધુ ટીશર્ટોનું વેચાણ થયું છે અને પરિણામે 50 કરોડથી વધુનું ટર્ન ઓવર થયું છે. હજુ પણ વેપારીઓને ઓર્ડરો મળી રહ્યા છે જેના કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
રવિવારે ફાઇનલ મેચ હોવાથી ફાર્મહાઉસ ક્લબો થિયેટરો વગેરેમાં મોટી સંખ્યામાં ગ્રુપમાં મેચ જોવા જવાનું આયોજન થઈ રહ્યું છે પરિણામે ટીશર્ટોની માંગ પણ હજુ નીકળી રહી છે. ગુજરાત ગારમેન્ટ એસોસિએશનના વેપારીઓનું કહેવું છે કે ગુજરાતની 500 જેટલી ફેક્ટરીઓમાં ટીશર્ટનું પ્રોડક્શન કરવામાં આવ્યું અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં પણ તેનું વેચાણ કરવામાં આવ્યું.