ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હજુ પણ યથાવત છે. હમાસે ઈઝરાયેલના તમામ બંધકોને હજુ કેદમાં રાખ્યા છે. પરંતુ હવે ઇઝરાયેલી કેબિનેટે ગાઝામાંથી ડઝનબંધ બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથેના કરારને મંજૂરી આપી છે. આ અંગેની એક બેઠક મંગળવારે રાત્રે 8 વાગ્યે યોજાઇ હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર 4-5 દિવસમાં હમાસ લગભગ 50 બાળકો, તેમની માતા અને અન્ય બંધક મહિલાઓને મુક્ત કરશે.
ઇઝરાયેલી મીડિયા અનુસાર, કરાર મુખ્યત્વે બંધક મહિલાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જોકે વિદેશી બંધકોને મુક્ત કરવા અંગેની વાટાઘાટો હાલમાં ટેબલ પર નથી.
ઇઝરાયેલની કેબિનેટે બહુમતીથી મતદાન કરીને કરારને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત કેટલાક ઇઝરાયેલી બંધકોને હમાસની ચુંગાલમાંથી છોડાવવાના છે. બંધકોની મુક્તિ માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારને મંજૂરી આપવા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને મંજૂરી આપવા કહ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ મંગળવારે રાત્રે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે સમજૂતી મુશ્કેલ છે પરંતુ યોગ્ય છે. જોકે, તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હુમલા ચાલુ રહેશે.