કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા સમગ્ર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનની દહેશતથી તમામ યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ કરાયા બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે મંગળવારે ડુગળીની ૨૩ હજાર બોરીની હરરાજી થયેલ જેમાં ખેડૂતોને ૫૧૦ સુધીના ભાવ પણ મળ્યા હતા બાદ આજે સવારે ફરી થેલાના વજનના મામલે ખેડૂતોએ ડુંગળીની હરરાજી બંધ કરાવી હતી અને યાર્ડમાં ખેડૂતોના ટોળા એકઠા થયા હતા.
હાલ ડુંગળીની સિઝન ચાલી રહી છે. અને ખેડૂતો પોતાની વાડી, ખેતરમાં મહેનત કરીને વાવેલી ડુંગળીનુ વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં લવાઇ રહી છે. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો તથા વેપારીઓને થેલાના વજન મામલે રકજક થવા પામેલ આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તાત્કાલિકના ધોરણે હરરાજી બંધ કરવામાં આવી હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ઉપરાંત મહુવા, તળાજા, સહિત જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડમાં ઉપરાંત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ કરવામાં આવી હતી. અને હાલમાં ખેડૂતોને ડુંગળીની નિકાસ કરે તો વધુ ભાવ મળે અને કમાણી થાય પરંતુ નિકાસ બંધ કરવાથી ખેડૂતોને નુકસાની જઈ રહી હોય પુનઃ નિકાસની છુટ આપવાની માંગણી કરવામાં આવી હતી
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને થેલાના વજનના મામલે ચાલી રહેલી રકજક બાદ ડુંગળીની હરરાજી ગઈકાલે મંગળવારે કરવામાં આવી હતી જેમાં ૨૩ હજારથી વધુ બોરીઓની હરાજી થઈ હતી અને ખેડૂતોને રૂ.૧૫૦ થી ૫૧૦ સુધીના ભાવ મળ્યા હતા. દરમિયાન આજે સવારે ફરી વજનનો મામલો ઉઠ્યો હતો. અને ખેડૂતો દ્વારા હરરાજી બંધ કરાવવામાં આવી હતી અને ખેડૂતોના ટોળા એકઠા થયા હતા અને રોષે ભરાયા હતા. વેપારીઓએ ડુંગળીમાં વજન કપાત શરૂ કરાયા બાદ કપાસમાં પણ વજન કપાતની માંગ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને ડુંગળી ઉપરાંત મગફળી અને કપાસની હરરાજી પણ બંધ કરી દેવામાં આવી હતી.