અમેરિકાના ટેનેસી રાજ્યમાં ભારતીય મૂળના બે હોટેલ માલિકોની ધરપક્ડ કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે, ‘પોલીસ તપાસમાં કથિત રીતે જૂઠું બોલ્યા હતા. તેમણે બે ભાગેડુઓને પોતાની હોટેલમાં આશ્રય આપ્યો હતો.
ગુજરાતી મૂળના દક્ષાબેન પટેલ અને હર્ષિલ પટેલ, જેઓ મોન્ટેગલમાં સુપર 8 અને માઉન્ટેન ઇનના માલિક છે, બંને પર 18 જુલાઈના રોજ તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને ખોટી માહિતી આપવાનો બુધવારે આરોપ મૂકવામાં આવ્યો હતો.
મોન્ટેગલ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે તેમના અધિકારીઓ આ વિસ્તારમાં “મોટા પાયે ડ્રગની હિલચાલ” ને કારણે હોટલની પાછળ દેખરેખ રાખી રહ્યા હતા. તેઓએ બાલ્કનીમાં બે માણસોને જોયા જેમના માટે ફ્રેન્કલિન કાઉન્ટી તરફથી વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ વોન્ટેડ શકમંદોનો પગપાળા પીછો કર્યો અને તરત જ તેમને કસ્ટડીમાં લીધા.
પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ પછી, તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે હોટેલમાં “બિલ્ડીંગના ખૂણે એક ગુપ્ત ઓરડો” હતો અને ભાગેડુઓ ત્યાં રોકાયા હતા. બંને પટેલ નાગરિકોને વોન્ટેડ શંકાસ્પદ વ્યક્તિઓને આશ્રય નહિ આપવા માટે ઘણી વખત સલાહ આપવામાં આવી હતી અને હોટલમાં તેમના રોકાણ વિશે અધિકારીઓ સામે સતત ખોટું બોલી રહ્યા હતા.





