આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ મુસાફરો નહીં લઇ જઇ શકે. ભક્તો અને પ્રવાસીઓ પ્લાસ્ટિકની વસ્તુઓ લઇ નહીં જઇ શકે. ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી પછી જિલ્લા પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટના કડક વલણ બાદ વન અને પર્યાવરણ વિભાગના વર્ષ 2019ના પરિપત્રની અમલવારી કરાવવા માટેનું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત તથા દાતાર પર્વત પર ચડવાના તમામ એન્ટ્રી પોઇન્ટ પરથી કોઇ પણ વ્યક્તિને પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશો, ચીજવસ્તુઓ, પેકિંગ, મટિરિયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં ગિરનારના પ્લાસ્ટિકના મુદ્દે ચાલતી પીટીશનમાં આ પરિપત્રના અમલવારી કરાવવાનો પણ આદેશ થયો હતો. હાઇકોર્ટે આ અંગે ટકોર કરી હતી કે શા માટે પરિપત્રની અમલવારી થતી નથી? ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી પછી કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ ગિરનાર અને દાતાર પર્વત પર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
હાઇકોર્ટમાં ગિરનાર પર પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણ થતું હોવા અંગે પીટીશન દાખલ થયેલ છે. જેમાં પ્રદૂષણ નિયંત્રણ કરવા નક્કર પગલા લેવા આદેશ થયો છે. વન અને પર્યાવરણ વિભાગના 22-5-2019થી અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટીક ઉત્પાદનો, પેદાશો ચીજવસ્તુઓ, પેકિંગ મટીરિયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા તથા ગમે ત્યાં ફેકવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.