તળાજામાં આવેલ નીલકંઠ વિદ્યાપીઠમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા સિહોર તાલુકાના નેસાડા ગામના વિદ્યાર્થીને હોસ્ટેલના ગૃહપતિ અને સંચાલકે લાકડી વડે માર મારતા વિદ્યાર્થીના દાદાએ વિદ્યાપીઠના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ગઈ તા.૧૯/૧૨ ની ઘટના અંગે સંચાલકોએ વિદ્યાર્થીના વાલીને ફોન કરીને તેમનો દીકરાને પડી જવાથી ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું.આખરે વિદ્યાર્થીએ હિંમત કરી ફોન કરતા તેને માર માર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજામાં તલ્લી રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાપીઠમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો અને વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેતો મૂળ શિહોર તાલુકાના નેસડા ગામનો વિદ્યાર્થી ગઈ તા. ૧૯/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે રીડિંગમાં હતો અને રાત્રે ૯ઃ૦૦ કલાકે રીસેસમાં બુક લેવા માટે ગયો હતો અને પરત ફરતા તેને મોડું થઈ જતા સ્કૂલના ગ્રુહપતિ શૈલેષભાઈ લાડુમોરે વિદ્યાર્થીને બોલાવીને ખુલાસો પૂછ્યો હતો. દરમિયાન સ્કૂલના સંચાલક દલપતભાઈ કાતરીયા પણ ત્યાં આવી જતા બંનેએ લાકડી વડે માર મારીને શરીર પર મૂંઢ ઇજા કરી હતી. બીજા દિવસે વિદ્યાર્થીને દુખાવો થતાં વિદ્યાર્થીને તળાજાની સદવિચાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરને વિદ્યાર્થી પડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ધર્મેશભાઈ કાતરીયાએ તેને બોલાવીને આ બાબતની કોઈને જાણ કરીશ તો તમે અહીંથી જીવતો ઘરે નહીં જવા દઈએ તેવી ધમકી પણ આપી હતી.
આ બનાવ બાદ તા. ૨૬/૧૨/૨૩ ના રોજ નીલકંઠ વિદ્યાપીઠમાંથી વિદ્યાર્થીના વાલીને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે તમારો બાળક સ્કૂલમાં પડી ગયો છે અને હાથના ભાગે ઇજા થતા પાટો બંધાવેલ છે. ત્યારબાદ તા.૩૦/૧૨/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીએ તેના ઘરે મોબાઈલ ફોન કરીને સમગ્ર હકીકત અંગે જાણ કરતા તેમના વાલી દીકરાને તેડીને ઘરે લઈ આવ્યા હતા.
આ બનાવ અંગે વિદ્યાર્થીના દાદા ઓધાભાઈ ગોવિંદભાઈ ડાંગર ( રહે. નેસડા તા. સિહોર ) એ નીલકંઠ વિદ્યાપીઠના ગૃહપતિ શૈલેષભાઈ લાડુમોર, સંચાલક દલપતભાઈ કાતરીયા અને ધર્મેશભાઈ કાતરીયા વિરુદ્ધ તેમના પૌત્રને લાકડી વતી મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪,૫૦૬ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.