શિપ રિસાયકલીંગ ક્ષેત્રે કોમલકાંત શર્માના નેતૃત્વમાં લીલા ગૃપ અગ્રેસર છે. તેવી જ રીતે વિશ્વ કક્ષાએ શિપ ટ્રેડીંગ માટે લીલા ગ્લોબલ ગૃપ અનિલભાઇ શર્માના નેતૃત્વમાં મોખરે છે. વૈશ્વિક સ્તરે જહાજાની લે-વેચમાં લીલા ગ્લોબલ ગૃપ નામના ધરાવે છે અને લોયડ્ઝ લીસ્ટ ટોપ ૧૦૦ મોસ્ટ ઇન્ફલ્યુશિયલ પીપલ ઇન શિપીંગ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં અનિલભાઇ શર્મા સામેલ છે.
આ ગૃપ દ્વારા ભારત આવી રહેલ એમ.વી. લીલા નોરફોલ્ક જહાજને રાતા સમુદ્રમાં આંતરીને ચાંચિયાઓએ કબજે કર્યું હતું. ૧૫ ભારતીય સહિત ૨૧ ક્રુ મેમ્બર સહિતના આ જહાજને ભારતીય નૌસેનાએ દિલધડક ઓપરેશન કરી મુક્ત કરાવ્યું હતું. આ અંગે લીલા ગ્લોબલના અનિલભાઇ શર્માએ જણાવ્યું હતું કે, આ જહાજ ચાંચિયાઓએ હાઇજેક કર્યાંના સમાચાર મળતા તુરંત જ ઇન્ડિયન નેવીનો સંપર્ક કર્યો હતો. ઇન્ડિયન નેવીએ તુરંત એક્શનમાં આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને જહાજ અને ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતાં.
અનિલભાઇએ ઇન્ડિયન નેવીના આ ઓપરેશનને બિરદાવતા કહ્યું હતું કે, નૌસેનાના જવાનોએ જે શૌર્ય બતાવ્યું છે તે અભિનંદન અને સલામને પાત્ર છે. એક ભારતીય તરીકે ગૌરવ થાય તે રીતે દેશ સંરક્ષણ અને પોતાના નાગરિકની સલામતીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેની પ્રતિતિ થઇ રહી છે.
અનિલભાઇના મોટાભાઇ અને લીલા ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, લીલા ગૃપ હંમેશા રાષ્ટ્ર અને પરિવારની ભાવનાને સમર્પિત છે. શિપ રિસાયકલીંગ હોય કે પછી કોઇપણ ક્ષેત્રની વાત હોય રાષ્ટ્રીયતા, માનવીય મૂલ્યો અને પરિવારની ભાવના અમારા પરિવારમાં અમારા માતા-પિતા દ્વારા મળી છે અને તેને અમે જાળવી રહ્યા છીએ.