સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ હેઠળ બોલાયેલા કડાકા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે પાંચ પૈસા ગબડ્યો હતો, પરંતુ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૫૬.૫૭ કરોડની લેવાલી રહી હોવાથી તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો એક પૈસા સુધી મર્યાદિત રહેતાં ૮૩.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૨ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૮૩.૧૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૭ અને ઉપરમાં ૮૩.૧૩ની રેન્જમાં અથડાઈને અંતે એક પૈસો ઘટીને ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો.