ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ખૂબ જ સંવેદનશીલ અને સળગતો મુદ્દો છે. ચીન અરુણાચલ પ્રદેશ પર સતત દાવો કરી રહ્યું છે. પરંતુ હવે અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરીને આંચકો આપ્યો છે. અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે, તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પ્રાદેશિક દાવા કરવાના પ્રયાસોનો સખત વિરોધ કરે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માને છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ઉલ્લંઘનનો દાવો કરવાના આર્મી અથવા કોઈપણ નાગરિક દ્વારા કોઈપણ એકપક્ષીય પ્રયાસની સખત નિંદા કરીએ છીએ.
અમેરિકાનું આ નિવેદન ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ શિયાઓગાંગના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ચીને કહ્યું હતું કે, બેઇજિંગ કહેવાતા અરુણાચલ પ્રદેશ પર ભારતના ગેરકાયદે કબજાનો સખત વિરોધ કરે છે. ચીન અરુણાચલ પ્રદેશ માટે જંગનાન નામનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈને ચીને ભારત સામે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલય વાંગ વેનબિને કહ્યું હતું કે, આનાથી ભારત-ચીન સરહદ વિવાદ વધુ વધશે. વેનબિને કહ્યું હતું કે, ભારતને ચીનના જંગનાનનો વિકાસ કરવાનો કોઈ અધિકાર નથી.