રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતાં ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ બબ્બેવાર માફી માગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી. એને પગલે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતાં કહ્યું હતું કે એ પાર્લમેન્ટરી બોર્ડનો વિષય છે. એની અટકળો ના કરવાની હોય. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ. રૂપાલાએ આગળ કહ્યું હતું કે મને દિલ્હીથી બોલાવ્યો નથી, પણ ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું. મને ઉમેદવારપદેથી રદ કરવો કે યથાવત્ રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. મેં માફી માગી લીધી છે. હવે કોમેન્ટ કરવા માગતો નથી. માત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો અમે પણ કરી રહ્યા છીએ.
મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે. દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં, મેં એટલું જ કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું, મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો, આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એટલે એમા રાજકીય ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે આ વિષયને અટકાવીએ દઈએ અને એના પર ડિબેટ કરવાથી એનો અંત આવશે નહીં.
			

                                
                                



