ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ દસ વર્ષ પહેલા બંધ કરાયેલી ચેમ્પિયન્સ લીગ T20 ચેમ્પિયનશિપને ફરીથી શરૂ કરવા માટે એકબીજાની વચ્ચે વાતચીત કરી રહ્યા છે. જો આ મોટા ક્રિકેટ બોર્ડ ફરી એકવાર સંમત થાય તો આ ટુર્નામેન્ટ ફરી એકવાર શરૂ થઈ શકે છે. જો આ ટૂર્નામેન્ટને મંજૂરી મળે તો પાકિસ્તાન સુપર લીગ (PSL) અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ખેલાડીઓ પણ એકબીજા સામે રમતા જોવા મળી શકે છે.
છેલ્લી વખત ચેમ્પિયન્સ T20 ટૂર્નામેન્ટનું આયોજન 2014માં કરવામાં આવ્યું હતું, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે સમયે ભારતની ત્રણ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની બે-બે અને પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડની એક-એક ટીમે તેમાં ભાગ લીધો હતો.
ચેમ્પિયન્સ લીગ 2009-10 અને 2014-15 વચ્ચે છ સિઝનમાં રમાઈ હતી, જેમાંથી ચાર ભારતમાં અને બે દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે બે વખત ખિતાબ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ અને સિડની સિક્સર્સે એક-એક વખત ટાઇટલ કબજે કર્યું હતું.
ક્રિકેટ વિક્ટોરિયાના સીઈઓ નિક કમિન્સે કહ્યું કે અત્યંત વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડરમાં આ માટે એક અલગ વિન્ડો બનાવવાનો સૌથી મોટો પડકાર છે. ભારતમાં મેલબોર્ન ક્રિકેટ એકેડમીના લોન્ચિંગ માટે ખેલોમોર પર બોલતા, તેણે કહ્યું, ‘મને લાગે છે કે ચેમ્પિયન્સ લીગ તેના સમય કરતાં આગળની પહેલ હતી. તે સમયે ટી20 ક્રિકેટ એટલું પરિપક્વ નહોતું, પરંતુ હવે છે.
તેણે કહ્યું- ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ECB અને BCCI તેને ફરી શરૂ કરવાની વાત કરી રહ્યા છે. વ્યસ્ત ICC કેલેન્ડરમાં આ માટે વિન્ડો શોધવી મુશ્કેલ છે. શક્ય છે કે ચેમ્પિયન્સ લીગ મહિલા ક્રિકેટ માટે હશે, જેમાં WPL, ધ હંડ્રેડ અને વિમેન્સ બિગ બેશ લીગની ટીમો રમશે.