અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ કે ભારતીય મૂળના લોકોનો મોતનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન અમેરિકાથી વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઓહિયો શહેરમાં આ ઘટના બની હતી. આ મામલે ન્યુયોર્કમાં સંચાલિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મૃત્યુનો આ સતત 10મો કિસ્સો છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીનું નામ ઉમા સત્ય સાઈ ગડ્ડે છે. તે ઓહાયોના ક્લિવલેન્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, ‘અમે પીડિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. આ મામલે તેમને તમામ સપોર્ટ કરવામાં આવશે અને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પહોંચાડવામાં તમામ મદદ કરવામાં આવશે.’