મહારાષ્ટ્ર નંદુરબારમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક જામ થયો ત્યારે ગોરવાનો શખ્સ આર્મીના મેજર રેન્કનો યુનિફોર્મ પહેરી પોલીસ પર રોફ જાળવા ગુસ્સે થઈ જલ્દી ટ્રાફિક ક્લિયર કરાવવા કહેવા કારમાંથી ઉતરી પડ્યો હતો. જોકે આ દરમિયાન એક કોન્સ્ટેબલ નજીક આવતા નકલી આર્મી મેજરે સામેથી સેલ્યુટ કરી દેતા ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસે નકલી મેજરની કાર તપાસતાં દોઢ લાખની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. નંદુરબાર પોલીસે નકલી મેજર રાહિલ શફી ઉર્ફે મોહમદ ફારૂક શેખ )(રહે, નુર બંગ્લો, મધુનગર, ગોરવા)ની પૂછપરછ કરતા તે સતત પોતે આર્મીનો અધિકારી હોવાનું રટણ કરતો, સાથે જ તે નકલી આર્મીનું આઈકાર્ડ પણ લઈને ફરતો હતો અને હાલ તેની નોકરી વડોદરા ઈએમઈમાં હોવાનું જણાવતો હતો. નંદરબાર પોલીસ રાહિલના ઘરે ગોરવા તપાસ કરી ત્યારે પણ વિવિધ પ્રકારની બ્રાન્ડેડ વિદેશી દારૂની રૂ.3.67 લાખની બોટલો મળી હતી. જે અંગે ગોરવા પોલીસે રાહિલની પત્ની શાહિદા શેખ સામે ગુનો નોંધ્યો હતો.
આરોપી હાલ નંદુરબાર પોલીસના ચાર દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગોરવા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરશે. આરોપી આર્મીનો યુનિફોર્મ પહેરી કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતો હતો. તેની તપાસ આગળ વધારાઈ છે. તેની સામે હજી સુધી કોઈ પ્રોહિબિશનનો ગુનો ન નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.