કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. વાયનાડ બેઠક છોડ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “વાયનાડના લોકો પાસે સંસદના બે સભ્યો છે, એક મારી બહેન છે અને બીજો હું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે, હું વાયનાડના દરેક વ્યક્તિને પ્રેમ કરું છું.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, “મારો વાયનાડ અને રાયબરેલી સાથે ઈમોશનલ કનેક્શન છે. હું છેલ્લા 5 વર્ષથી વાયનાડથી સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું પણ સમયસર વાયનાડની મુલાકાત લઈશ.’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાયબરેલીના સાંસદ રહેશે. આ દરમિયાન તેમણે વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યા બાદ વાયનાડ બેઠકની પેટા-ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉતારવાની પણ જાહેરાત કરી છે. ખડગેએ પ્રિયંકા ગાંધીના જૂના સ્લોગન ‘લડકી હૂં, લડ સકતી હૂં’નો ઉલ્લેખ કરી કહ્યું કે, તેઓ વાયનાડમાંથી પેટા-ચૂંટણી લડશે.