જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારના રોજ થયેલા આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. હુમલામાં ઘાયલ થયેલા પાંચ જવાનોને મોડી રાત્રે કઠુઆના બિલવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી પઠાણકોટ સૈન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ હુમલાને લઈને સેનાના સૂત્રો તરફથી સતત નવી માહિતીઓ સામે આવી રહી છે. જેના પ્રમાણે આ હુમલો 3 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ એડવાન્સ હથિયારોથી સજ્જ હતા. આ આતંકીઓએ હાલમાં જ બોર્ડર પાર કરીને ઘૂસણખોરી કરીને આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હુમલા માટે એક લોકલ ગાઈડે પણ આતંકીઓની મદદ કરી હતી. જોકે, સુરક્ષા દળો બપોરે 3.30 વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ કુઠુઆના મછેડી વિસ્તારમાં સર્ચ કરી રહી હતી,સર્ચ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં વધુ સુરક્ષાદળો મોકલવામાં આવ્યા હતા. બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. જ્યારે બે દિવસમાં સેના પર આ બીજો હુમલો છે. રવિવારે પણ સૈન્ય ચોકી પર હુમલો થયો હતો. આજે મંગળવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.
કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની શાખા છે. સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ હુમલો 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓના મોતનો બદલો છે. એ પણ જણાવ્યું કે આતંકીઓએ હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગનથી હુમલો કર્યો. KT-213એ પોસ્ટમાં લખ્યું- ‘કઠુઆમાં ભારતીય સેના પર હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગનથી હુમલો કરવામાં આવ્યો છે. ડોડામાં માર્યા ગયેલા 3 મુજાહિદ્દીનના મોતનો આ બદલો છે. ટૂંક સમયમાં વધુ હુમલાઓ કરવામાં આવશે. આ લડાઈ કાશ્મીરની આઝાદી સુધી ચાલુ રહેશે.