રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લા કોરા રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા, મહુવા, અને ઉમરગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. રાજ્યના સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં 61.13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ બે આગામી બે દિવસ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
આગાહી મુજબ આજે આખા ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ નહિવત રહેશે. ત્યારબાદ 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. તે સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. ચોથા દિવસથી એટલે કે 3 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એટલે કે અમદાવાદવાસીઓને આગામી 5 દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે કારણ કે, આજની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી.