બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સરકાર, લોકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને હવે સેના કોઈ સુરક્ષિત નથી. ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા હવે કાબૂ બહાર ગઈ છે. આ દરમિયાન સેનાના જવાનો પર પણ હુમલાના સમાચાર છે. સેનાના વાહન પર આ હુમલો ગોપાલગંજ વિસ્તારમાં થયો હતો. અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અવામી લીગના હજારો કાર્યકરો શેખ હસીનાની વાપસીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓએ ઢાકા-ખુલના હાઈવે બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સેનાનું વાહન ત્યાં પહોંચી ગયું અને દેખાવકારોને રસ્તો ખોલવા અને વિરોધ ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં, વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. ગોપીનાથપુર સંઘના પૂર્વ પ્રમુખ લચ્છુ શરીફે કહ્યું કે, આ હુમલામાં સેનાના ઘણા જવાનો ઘાયલ થયા છે. જેમાં એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ
પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને, આસામ પોલીસ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ પર છે તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું કે કેન્દ્રએ સૂચના જારી કરી છે કે બાંગ્લાદેશથી કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.