કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટરસાથે થયેલી બર્બરતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યારે બંગાળમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક યુવતીનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. યુવતીની ઓળખ 25 વર્ષીય પ્રિયંકા હંસદા તરીકે થઈ છે.
બર્ધમાનના નાદુર ગામમાં રહેતી પ્રિયંકા બેંગલુરુના એક શોપિંગ મોલમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. આ સિવાય પ્રિયંકા ફિલોસોફીમાં એમએનો અભ્યાસ કરતી હતી. 12 ઓગસ્ટે પ્રિયંકા બેંગલુરુથી બર્ધમાન સ્થિત પોતાના ઘરે પરત ફરી હતી. પરંતુ બે દિવસ પછી તે ક્રૂરતાનો શિકાર બની. પ્રિયંકા પર દુષ્કર્મ કર્યા બાદ તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે પ્રિયંકાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા 14 ઓગસ્ટે સાંજે લગભગ 6:30 વાગ્યે બાથરૂમ જવા માટે ઘરની બહાર નીકળી હતી. થોડા સમય પછી પ્રિયંકા પરત ન આવતાં પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા. બધા પ્રિયંકાને શોધવા લાગ્યા. ગુરુવારે સવારે પ્રિયંકા તેના ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાં ખરાબ હાલતમાં મળી આવી હતી. જ્યારે પરિવારના સભ્યોએ નજીક જઈને લાશ જોઈ તો લોકોમાં હડકંપ મચી ગયો હતો.પ્રિયંકાના શરીરમાંથી માથું ગાયબ હતું.
પ્રિયંકાની લાશ જોઈને માતા જોર જોરથી ચીસો પાડવા લાગી હતી. માતાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી શક્તિગઢ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિક પોલીસ અધિક્ષક ઓર્ક બેનર્જીનું કહેવું છે કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અમે જલ્દી જ હત્યારાને પકડી લઈશું.
પ્રિયંકાના મોતના સમાચાર આખા વિસ્તારમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. બધાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પથ્થરમારો શરૂ કર્યો. જોકે, પ્રિયંકાની હત્યા કોણે અને શા માટે કરી? આ જાહેર કરી શકાયું નથી.