ભારતમાં નિપાહ વાયરસનો ખતરો વધી રહ્યો છે, અને હાલ કેરળ રાજ્યમાં આ વાયરસને કારણે ચિંતાજનક પરિસ્થિતિ છે. નવો કેસ મલપ્પુરમમાં નોંધાયો છે, જ્યાં 24 વર્ષના એક યુવકનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે અને આ ઘટનાથી રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
કેરળમાં નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા યુવકના સંપર્કમાં આવેલા તમામ 175 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 37 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. વીણા જ્યોર્જે કહ્યું કે અમે જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. અમે મૃતકના સંપર્કમાં આવેલા 175 લોકોને ટ્રેક કરવાનો નિર્ણય લીધો છે. તેમાંથી 74 આરોગ્ય કર્મચારીઓ છે. અમે 104 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખ્યા છે. જેમાંથી 10 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, 13ના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં, પીડિત દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા 16 વિદ્યાર્થીઓને પણ આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં નિપાહ વાયરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. કેરળમાં છેલ્લા ઘણા સમયથી નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, ઇડુક્કી, એર્નાકુલમમાં ચામાચીડિયામાં નિપાહ વાયરસ એન્ટિબોડીઝ વિશેની માહિતી એક સંશોધનમાં સામે આવી હતી.