વર્ષ 1966માં ગૌ ભક્ત સ્વામી કરપાત્રી મહારાજે દિલ્હીમાં મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે ગૌમાતા રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવા માટે પ્રદર્શન કર્યું હતું. હવે ફરી એકવાર ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ચળવળ શરૂ થઈ છે. જેના ભાગરૂપે ગૌ સંસદ નામની સંસ્થાના નેતૃત્વમાં ચારેય પીઠના જગદગુરુ શંકરાચાર્યની નિશ્રામાં એક મંચ પર ગૌમાતા માટે આંદોલન કરાશે.
સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કાનૂન લાવવા માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા 36થી વધારે ગૌધ્વજ તમામ રાજ્યોમાં પ્રસ્થાપિત કરાશે. જગદગુરુએ અયોધ્યાથી 22 સપ્ટેમ્બરે 24 હજાર કિલોમીટરથી વધુની યાત્રા શરૂ કરી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ દ્વારા આ યાત્રા દરમિયાન દરેક રાજ્યના પાટનગરમાં ગૌ ધ્વજ સ્થાપિત કરવામાં આવશે. 16 ઓક્ટોબરના રોજ શહેરમાં આ ગૌધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવશે. જ્યારે આ યાત્રાનું 26 ઓક્ટોબરના રોજ દિલ્હી પહોંચશે જ્યાં વિશાળ ધર્મસભા યોજાશે જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહેશે. દિલ્હીની આ ધર્મસભામાં જ ગૌ ધ્વજ સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 27 ઓક્ટોબરે વૃંદાવન ખાતે પહોંચીને આ યાત્રાનું સમાપન થશે.
ગૌ ધ્વજ પ્રતિષ્ઠા યાત્રા 16 ઓક્ટોબરે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પહોંચશે. જ્યાં 300થી વધુ ગૌ સંસ્થાઓની સાથે 50 હજારથી વધુ ગૌભક્તો હાજર રહેશે. તેની સાથે 300થી વધુ સંતોની અધ્યક્ષતામાં વર્ષ 2024ની સૌથી મોટી ધર્મસભાનું આયોજન કરાયું છે. આ ધર્મ સભામાં ચાર પીઠના શંકરાચાર્યની સાથે હિન્દુ ધર્મના તમામ સંતો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં 1,400થી વધારે ગૌશાળાના સભ્યો પણ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન સોલા ભાગવતમાં બપોરે 2 વાગે ગૌ ધ્વજને પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.