જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન રાજકોટના ત્રણ સહિત કુલ સાત યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ બનાવથી સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો.
લાખો લોકો પરિક્રમા કરવા ઉમટ્યા છે. 7 યાત્રિકના હાર્ટએટેકથી મોત થયા હતા. જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મુળજીભાઈ રૂડાભાઈ લોખીલ (ઉ.વ.૬૬)નું માળવેલા ઘોડી નજીક, જસદણ તાલુકાના નવાગામના પરષોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણી (ઉ.વ.૫૦)નું ભવનાથ તળેટીમાં, અમરસરના હમીરભાઈ સોદાભાઈ લમકા (ઉ.વ.૬૫)નું ભવનાથ તળેટીમાં, દેવડાના રસિકલાલ ભોવાનભાઈ ભરડવા (ઉ.વ.૬૨)નું ઈટવા ઘોડી પાસે હાર્ટએટેકથી મોત થયું હતું.
રાજકોટના મનસુખભાઈ મોહનભાઇ(ઉ.વ.૭૦)નું જીણાબાવા મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઇ ચાવડા(ઉ.વ.૫૦)નું ૧૧ નંબર ચેકપોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઇ સિંધવ (ઉ.વ.૫૪)નું સરકડીયા પાસે એટેક આવવાથી મોત થયુ હતું.