CM દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકારની કમાન સંભાળતાની સાથે જ ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. હવે પોતાના સાથી અને પૂર્વ CM એકનાથ શિંદે માટે એક મોટા નિર્ણય પર પ્રતિબંધ લગાવીને તેમણે વિપક્ષને પ્રહાર કરવાની વધુ એક તક આપી છે. CM દેવેન્દ્ર ફડણવીસે બસ ભાડે આપવાના ભૂતપૂર્વ એકનાથ શિંદે સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. CM ફડણવીસે આ નિર્ણયની સમીક્ષા કરી અને પછી તેને હાલ માટે રોકવાનો નિર્ણય કર્યો. જોકે, એ સ્પષ્ટ નથી કે તેઓ શિંદે સરકારના અન્ય નિર્ણયોની પણ સમીક્ષા કરશે કે નહીં. વિપક્ષે આ નિર્ણયને લઈને કૌભાંડના આક્ષેપો કર્યા છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ નિર્ણયમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, 1,310 બસો ભાડે આપવા માટે નક્કી કરાયેલી રકમમાં મોટો તફાવત છે. દાનવેના જણાવ્યા અનુસાર, 2022 માં પ્રતિ કિલોમીટર બસ ભાડાનો દર 44 રૂપિયા હતો, જેમાં તેલ પણ સામેલ હતું. પરંતુ નવી સ્કીમમાં આ દર 34.7 રૂપિયાથી 35.1 રૂપિયા પ્રતિ કિલોમીટર તેલ વગર નક્કી કરવામાં આવ્યો હતો. જો તેને તેલ સાથે જોડવામાં આવે તો આ દર 56-57 રૂપિયા પ્રતિ કિલોમીટર સુધી પહોંચી શકે છે. દાનવેએ તેને મોટું કૌભાંડ ગણાવ્યું હતું.