દુનિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષ રોકવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે ત્યારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માળખામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર
ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, ૨૧મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી અત્યંત
જરૂરી છે. ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સમીકાર્ડ સમાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત ૧૭મા બ્રિક્સ સંમેલનને સંબોધન
કરતા કહ્યું કે, ૨૦મી સદીમાં બનેલી વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતિયાંશ વસતીને આજ સુધી
યોગ્ય પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. જે દેશ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી
રહ્યા છે તેમને નિર્ણય લેવાના ટેબલ પર જગ્યા નથી અપાઈ.
પીએમ મોદીએ આ બાબતને માત્ર પ્રતિનિધિત્વનો સવાલ જ નથી ગણાવી, પરંતુ તેને આ સંસ્થાઓની
વિશ્વસનીયતા અને અસરકારક્તા સાથે પણ જોડી છે. પોતાની વાતને સરળતાથી સમજાવતા પીએમ
મોદીએ કહ્યું કે, ગ્લોબલ સાઉથ વિના વૈશ્વિક સંસ્થાઓ મોબાઈલ ફોનમાં સિમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક
ના હોય તેવી સ્થિતિ સમાન છે. બ્રિક્સને સંબોધતા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથને સતત
હાંસિયામાં રાખવાની વૈશ્વિક સંસ્થાઓની નીતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું, વિકાસની વાત હોય
કે સંશાધનોના વિતરણની કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતોને પ્રાથમિક્તા અપાઈ નથી.
ક્લાઈમેટ ફાઈનાન્સ, સતત વિકાસ અને ટેક્નોલોજી સુધી પહોંચ જેવા મુદ્દા પર ગ્લોબલ સાઉથને નામ
માત્ર સિવાય કશું મળ્યું નથી.