અમદાવાદમાં મંગળવારે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના
વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે
ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચાકુ ઘોંપી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી
અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની
અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે
ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચાકુનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ
ગયો અને બાદમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર
દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના
પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ
ધરી છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ
કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો
છે.
વાલીઓમાં ભારે આક્રોશ, પ્રિન્સિપાલ-સ્ટાફને માર્યા
અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી. આ સિવાય શાળાએ આવેલા ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.
શાળાનો બચાવ: આખી ઘટના બહાર બની છે !
આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખીય ઘટના બની છે.