અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદને રીતસરનો ધીકતો ધંધો બનાવી દીધો છે. તે તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજોના અબજો ડોલર રળી રહ્યા છે. અમેરિકન નિયમોની ખામીઓનો ફાયદો ઉઠાવીને ટ્રમ્પ ફેમિલીએ તેમના પ્રમુખપદના પ્રથમ કાર્યકાળમાં જ 3.4 અબજ ડોલરની કમાણી કરી હતી. અમેરિકાના પ્રમુખપદના ઇતિહાસમાં કોઈ પ્રમુખે હોદ્દા પર રહીને ભાગ્યે જ આટલી કમાણી કરી છે.
ધ ન્યૂયોર્કમાં ડેવિડ કિર્કપેટ્રિકના રિપોર્ટમાં આ સનસનાટીપૂર્વકનો દાવો કરવામાં આવ્યો છે. તેમા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પનું આખું કુટુંબ તેના પ્રમુખપદનો ફાયદો ઉઠાવીને ધીકતી કમાણી કરી રહ્યું છે. ટ્રમ્પ પ્રેસિડેન્ટ નથી પણ પ્રોફિટયર એટલે કે નફાખોર છે. બાઇડનના પુત્ર પર આક્ષેપ કરનારા ટ્રમ્પ કુટુંબે વકીલો અને નિષ્ણાતોની ફોજ દ્વારા બધા જ પ્રકારની કાયદાકીય છટકબારીઓનો લાભ ઉઠાવીને એટલી જંગી કમાણી કરી છે અને હાલમાં પણ કરી રહ્યા છે જેનો કોઈ હિસાબ જ નથી.ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની ફર્મ અફિનિટી પાર્ટનર્સમાં સાઉદીનું બે અબજ ડોલરનું રોકાણ આનો પુરાવો છે. આ રોકાણ ટ્રમ્પના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન જ થયું છે. આ રીતે કતારે અબજો ડોલરનું રોકાણ ટ્રમ્પ ફેમિલીની જુદી-જુદી કંપનીઓમાં કર્યુ હોવાનું મનાય છે, જેનો કોઈ હિસાબ નથી. આટલું ઓછું હોય તેમ કતારના અમીરે ટ્રમ્પને પર્સનલ જેટ ભેટમાં આપ્યું હતું. કુશનરે તો તાજેતરમાં તે વાતનો ઇન્કાર કર્યો હતો કે તેની કંપનીમાં થતાં રોકાણને લઈને હિતોનો સંઘર્ષ થઈ રહ્યો છે.
કિર્કપેટ્રિકની નોંધ કહે છે કે આગામી દસ વર્ષમાં એફિનિટી પાર્ટનર્સનું બે તૃતિયાંશ જેટલું ભંડોળ આગામી દસ વર્ષમાં ફીના સ્વરૂપે ગજવા ભેગું કરશે. ટ્રમ્પના જમાઈનો તો આટલો હક્ક તો બને જ છે. ટ્રમ્પે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલાક ક્રિપ્ટો વેન્ચર્સ તરતા મૂક્યા છે, તે ટ્રમ્પના નામ અને પોલિટિકલ બ્રાન્ડ તરીકે તરતા મૂકવામાં આવ્યા છે. માર-એ-લાગો ક્લબ જ જોઈએ તો 2016 પહેલા માંડ એક લાખ ડોલરની આ ક્લબ દસ લાખ ડોલર સુધી પહોંચી ગઈ છે. ટ્રમ્પ પ્રમુખ બનતા તરત જ તેની ફી વધારી દેવાઈ. ટ્રમ્પના રાજકીય ઉદભવના લીધે એકલી આ ક્લબે જ 12.5 કરોડ ડોલરથી વઘુ નફો રળી લીધો છે. યાદ રહે ટ્રમ્પે તેમના પ્રમુખ પદ દરમિયાન ઘણી બધી મીટિંગ માર-એ-લાગોમાં ગોઠવી હતી.