સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
નર્મદા બંધમાં પાણીની આવક 8,06,186 ક્યુસેક છે. હાલમાં રિવેરબેડ પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી તથા કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 18,000 ક્યુસેક ડિસ્ચાર્જ કરતા કુલ જાવક 5,62,000 ક્યુસેક છે. નદીમાં મોટી માત્રામાં પાણી છોડતા ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચ, વડોદરા અને નર્મદાના કાંઠા વાળા વિસ્તારને સાવધાન પણ કરાયા છે.