યુક્રેનના 31મા સ્વતંત્રતા દિવસ પર રશિયાએ ચાલુ ટ્રેન પર રોકેટથી હુમલો કર્યો હતો. પૂર્વી યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી 145 કિમી દૂર ચેપલના નાના શહેરમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ 4 બોગીમાં આગ લાગી ગઈ, જેમાં 22 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.
24 ઓગસ્ટના રોજ યુક્રેનનો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસે રશિયા-યુક્રેન યુદ્ધના 6 મહિના પૂરા થઈ ગયા છે. અમેરિકાને પણ રશિયા હુમલો કરશે એવો ડર હતો. આ ડરના કારણે કિવમાં સ્વતંત્રતા દિવસ બનાવાયો નહોતો. છ મહિનામાં 9 હજાર સૈનિક માર્યા ગયા છે, જ્યારે અડધી વસતિ પલાયન કરી ચૂકી છે. રશિયાના 20થી વધારે કમાન્ડર માર્યા ગયા છે. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. શરૂઆતમાં લાગતું હતું કે રશિયા એક સપ્તાહમાં આ યુદ્ધને ખતમ કરી દેશે, પરંતુ છ મહિના પછી પણ રશિયાની મોટા ભાગની સફળતા પૂર્વી યુક્રેનની આસપાસ સમેટાઈ ગઈ છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સીએ કહ્યું હતું કે અમને જાણકારી છે કે રશિયા આગામી દિવસોમાં યુક્રેનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી ઈમારતો પર હુમલા શરૂ કરવાના પ્રયાસો ઝડપી બનાવી રહ્યું છે. યુક્રેનમાં રશિયાના ટ્રેક રેકોર્ડને જોતાં અમે રશિયાના હુમલાને કારણે નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના જોખમને લઈને ચિંતિત છીએ.