જતીન સંઘવી
ભાવનગર મહાપાલિકામાં કમિશનર તરીકે સુરત કોર્પોરેશનમાંથી મુકાયેલ આઇએએસ ઓફિસર એન.વી.ઉપાધ્યાય આજે ગુરુવારે બપોરે હવાઈ માર્ગે ભાવનગર આવી પહોંચશે અને કમિશનર પદનો કાર્યભાર સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 33 કમિશનર ભાવનગરમાં ફરજ બજાવી ચુક્યા છે, ઉપાધ્યય 34માં કમિશનર રહેશે.મહાપાલિકાના તત્કાલીન કમિશનર એમ.એ ગાંધીની તા.6 ફેબ્રુઆરી 2020ના બદલી કરાયા બાદ કાયમી કમિશનરની પોસ્ટ 6 મહિનાથી ખાલી હતી જે આજે પુરાશે.
કમિશનરની ગેરહાજરીમાં કલેકટર યોગેશ નિરગુડેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેઓએ આજદિન સુધી કલેકટર ઉપરાંત કમિશનરનો ચાર્જ પણ વહન કરીને પોતાની કાર્ય ક્ષમતા પુરવાર કરી હતી. આજે કમિશનર ઉપાધ્યય હાજર થતા જ નીરગુડેને ચાર્જમાંથી મુક્તિ મળશે.
સુરતમાં કાર્યદક્ષ અધિકારી ઉપરાંત સેવાભાવી તરીકે જાણીતા છે નવા કમિશનર એન.વી. ઉપાધ્યાય
સુરત મહાપાલિકામાં ડે.કમિશનર તરીકે ફરજ બજાવતા ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ. એન.વી. ઉપાધ્યાય કાર્યદક્ષ અધિકારી છે તેમજ સેવાભાવી તરીકે પણ છાપ ધરાવે છે. કોરોના કાળમાં લોકડાઉન સમયે તેમણે શ્રમિકોને ભોજન, રાશન કીટ પહોંચાડવી અને હોટસ્પોટ વિસ્તારમાં લોકજાગૃતિ કેળવવા સાથે પોતે કોરોનાથી સંક્રમિત થયા બાદ પ્લાઝમાં ડોનેટ પણ કર્યું હતું. તેઓને ઘણા સમય પૂર્વે પ્રમોશન અપાયું હતું પરંતુ પોસ્ટીંગ બાકી હતું. આખરે ભાવનગર મ્યુ. કમિશનર તરીકે તેમને પોસ્ટીંગ અપાયું છે. ભાવનગર મહાપાલિકામાં કમિશનરની ખુરશી છ મહિના કરતા વધુ સમય સુધી ખાલી રહ્યા બાદ આખરે નિમણૂંક થતા હવે અટકેલા કાર્યો આગળ વધશે અને ખાસ કરીને અધિકારી પાંખને નેતૃત્વ મળી રહેશે તો જિલ્લા કલેક્ટર ઉપરાંત મ્યુ. કમિશનરના ચાર્જમાંથી યોગેશ નિરગુડેને હાલ મુક્તિ મળી છે.