ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સર્વોત્તમ ડેરીની ૨૧મી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને તા.૨૪મીએ સર્વોત્તમ દાણ ફેકટરી મું. સર ખાતે મળી જેમાં સંઘના મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જાેષી, ડાયરેકટરો તથા સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.
સભામાં ઉપસ્થિત રહેલ ૯૮ ટકાથી વધારે સભાસદ મંડળીના પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘના ડાયરેક્ટર માવજીભાઇ ભાલીયાએ કર્યુ હતુ. સને.૨૦૨૧-૨૨માં સર્વોત્તમ ડેરીને સૌથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને તથા સર્વોત્તમ દાણ વેચનાર ૧ થી ૧૦ ક્રમ મેળવનાર મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યુ. સર્વોત્તમ ડેરીના સિનિયર મેનેજર વાય.એચ.જાેષીએ રોકડ ઉપાડ પર લાગતો ટીડીએસ તેમજ પશુપાલકોના બેંક ખાતામાં જ સીધા નાણા જાય એ માટે મંડળી જ એટીએમનું કામ કરે તે માટે માઇક્રો એટીએમ વિશે માહિતી આપેલ. સંઘના ડાયરેક્ટર મૂળરાજસિંહ પરમારે ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન થાય તેના પર ભાર મુકેલ. સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે આઝાદીના ૭૫ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારી ક્ષેત્રને મહત્વનું અંગ ગણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરેલ તે વિશે વિસ્તૃત સમજણ આપી. સમગ્ર સભાનું સફળ સંચાલન તેમજ સંઘની વિકાસ ગાથા, ખેડૂતેને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ તથા આગામી સમયનું આયોજન સંધના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જાેષીએ પોતાની રસાળ શૈલીમાં કર્યુ હતું. આભાર વિધિ સંઘના સહકાર મેનેજર બી.જે.ખેરે કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડિવિડન્ડ ચુકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આથી ઉપસ્થિત રહેલ મંડળીના પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.