ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. ગત 24 ઓગસ્ટે યુક્રેન પર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ‘પ્રક્રિયાગત મત’ દરમ્યાન ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. આ દરમ્યાન યુએનની 15 સભ્યોની શક્તિશાળી સંસ્થાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને વીડિયો ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું.
ફેબ્રુઆરીમાં રશિયન સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે. જોકે યુક્રેન સામે મોસ્કોના આક્રમણ બદલ ભારતે રશિયાની ટીકા કરી ન હતી. નવી દિલ્હીએ વારંવાર રશિયન અને યુક્રેનિયન પક્ષોને મુત્સદ્દીગીરી અને સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે આહ્વાન કર્યું છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસો માટે પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું છે.
ભારત હાલમાં બે વર્ષના કાર્યકાળ માટે UNSCનો અસ્થાયી સભ્ય છે, જેનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થશે. 24 ઓગસ્ટના રોજ યુએનએસસીએ યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિના સુધી ચાલેલા યુદ્ધની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. બેઠક શરૂ થતાં સંયુક્ત રાષ્ટ્રમાં રશિયન રાજદૂત વેસિલી એ. નેબેન્ઝિયાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિની ભાગીદારી અંગે પ્રક્રિયાગત મત માટે વિનંતી કરી હતી.
આ સંદર્ભમાં ભારત સહિત 13 દેશોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લેવા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પક્ષમાં મતદાન કર્યું હતું. રશિયાએ વિરોધ કર્યો તો ચીને પોતાને આ પ્રક્રિયાથી દૂર રાખ્યો. રશિયાએ ઝેલેન્સકીની સંડોવણી પર કહ્યું કે, તે તેનો વિરોધ કરતું નથી, પરંતુ આવી ભાગીદારી વ્યક્તિગત હોવી જોઈએ. રશિયાના રાજદૂત નેબેન્ઝિયાએ કહ્યું કે, કોરોના બાદ સ્થિતિ સુધર્યા બાદ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઝેલેન્સકીની ભાગીદારીનો વિરોધ કરે છે. રશિયાના આ વાંધા પર UNSCએ એક પ્રક્રિયાગત મતદાન કર્યું હતું, જેમાં ભારતે યુક્રેનના રાષ્ટ્રપતિને વીડિયો કોન્ફરન્સિંગમાં સામેલ થવાનું સમર્થન કર્યું હતું.