ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવા મામલે દિલ્હી-NCRના બિઝનેસમેન કબીર તલવારની NIA ધરપકડ કરી લીધી છે. દિલ્હીના સમ્રાટ હોટલમાં પ્લેબૉય બાર ચલાવતા બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ કરાઈ છે. તેમનું દિલ્હી-NCRમાં જ નહીં, દુબઈમાં પણ રેસ્ટોરન્ટ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હરપ્રીત સિંહ તલવાર ઉર્ફ કબીર તલવાર અને પ્રિન્સ શર્માનું નામ સામેલ છે. બન્ને દિલ્હીના રહેવાસી છે. આરોપ છે કે, બન્ને શખ્સ અફઘાનિસ્તાનથી ભારત લવાયેલા 3000 કિલો હેરોઇનની મોટી ખેપની તસ્કરીમાં સામેલ હતા.
ગત વર્ષ ગુજરાતના મુંદ્રા પોર્ટથી અંદાજિત 3000 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે દરિયાઇ માર્ગે આ હેરોઇન અફઘાનિસ્તાનથી લવાયું. NIAએ પહેલા દિલ્હીના બિઝનેસમેન તલવાર સાથે પૂછપરછ કરી અને બાદમાં ધરપકડ કરી લીધી.
મોટી હેરોઇનની ખેપની ડિલીવરી અને ખરીદીમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કબીર તલવાર અફઘાનિસ્તાની નાગરિકો દ્વારા ડ્રગ્સ ખરીદી રહ્યા હતા અને દુબઈના રસ્તે પૈસા મોકલી રહ્યા હતા. જણાવાયું છે કે, રિફાઇન્ડ ડ્રગ્સને કથિત રીતે બિઝનેસમેન દ્વારા સર્કુલેટ કરવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો બાકીનો હિસ્સો પંજાબ મોકલવામાં આવતો હતો.
NIAએ શરૂઆતમાં આ કેસની ચાર્જશીટમાં 16 આરોપીઓનો ઉલ્લેખ કર્યો હતો. NIAના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, એજન્સીને શંકા છે કે આ તસ્કરીથી જોડાયેલા પૈસાને અફઘાનિસ્તાન મોકલીને આતંકવાદી ગતિવિધિઓનું ફંડિંગ કરાતું હતું. આ મામલે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે કનેક્શન પણ તપાસમાં આવી રહ્યું છે.
ઇન્ટરનેશનલ બજારમાં ઝડપાયેલા હેરોઇનની કિંમત અંદાજિત 21000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. માદક પદાર્થને અફઘાનિસ્તાનના કંધારથી ઈરાનના બંદર અબ્બાસ બંદરગાહ અને ત્યાંથી પછી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું.