હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈરાને
અમેરિકન નૌકાદળના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો
હતો. આ હુમલો એટલો આક્રમક હતો કે તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા ‘પર્લ હાર્બર’ એટેક સાથે
સરખાવવામાં આવી રહ્યો છે. ઈરાની હુમલા બાદ અમેરિકી જહાજોને જીવ બચાવીને હોર્મુઝથી અરબ
સાગર તરફ ભાગવાની ફરજ પડી હતી.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે ઈરાને USS ટ્રક્સટન, USS રાફેલ
પેરાલ્ટા અને USS મેસન નામના ત્રણ અમેરિકી નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવ્યા હતા. ઈરાને
મિસાઈલોની સાથે-સાથે આત્મઘાતી ડ્રોન અને નાની દરિયાઈ બોટ દ્વારા ઘેરો ઘાલ્યો હતો. જોકે,
અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને તેના જહાજો સુરક્ષિત
રીતે બહાર નીકળી ગયા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ત્રણેય
જહાજો સુરક્ષિત છે. તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવેલી જવાબી એરસ્ટ્રાઈકને ‘લવ ટેપ’ અને આ
સમગ્ર અથડામણને માત્ર એક ‘નાનો આંચકો’ (Small Bump) ગણાવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે
સીઝફાયર હજુ પણ અમલી છે, પરંતુ જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે તો અમેરિકા વધુ ‘હિંસક’ જવાબ
આપશે.
ઈરાનની મિલિટરી કમાન્ડે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ પહેલા સીઝફાયર તોડીને બે જહાજોને
નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં ચાબહાર પોર્ટ પાસે અમેરિકી જહાજો પર હુમલો કરવામાં આવ્યો.
ઈરાની મીડિયા મુજબ, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને તટીય વિસ્તારોમાં જનજીવન રાબેતા
મુજબ છે. આ સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા, ઈરાન પાસેથી શાંતિ પ્રસ્તાવ પર જવાબની
રાહ જોઈ રહ્યું છે. આ પ્રસ્તાવમાં યુદ્ધનો ઔપચારિક અંત અને ૩૦ દિવસમાં વ્યાપક સમજૂતીની વાત
છે.


