વિદ્યાનગરમાં વિદેશ જવાની ઇચ્છા ધરાવનારા 13 જેટલાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરી બંટી-બબલી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં 50 લાખથી વધુ રૂપિયા લઇને આરોપી દંપતી ફરાર થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી દંપતિએ શ્રીમદ ઓવરસીઝ નામે એજન્સી શરૂ કરી હતી. વલાસણના દંપતીએ આ એજન્સી શરૂ કરી હતી. જોકે, હાલમાં વિદ્યાનગર પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
અમદાવાદના સાણંદ ખાતે રહેતા વિરાજકુમાર હિતેશકુમાર પટેલ ઇન્ટીરિયલ ડિઝાઇનનું કામ કરે છે. તેઓએ પોતાના ભાઇની પત્નીને UK મોકલવા માટે સ્ટુડન્ટ વિઝા માટે દોડધામ કરતાં હતાં. જેમાં તેઓએ વિદ્યાનગરના રાધા સ્વામી સામીપ્ય હોમસાયન્સની સામે આવેલ શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટના શ્રેયસ કે. શાહનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક દરમિયાન શ્રેયસે બહેનના જરૂરી દસ્તાવેજ મંગાવ્યા હતાં. તેઓની એક-બે મુલાકાત બાદ શ્રેયસ કે. શાહ તથા તેમના પત્ની મધુબહેને વિઝા માટેની પ્રોસેસિંગ ફાઇલ ફી તથા UKની યુનિવર્સિટીની ફી તથા બીજા ખર્ચ પેટે રૂ. પંદરેક લાખનો ખર્ચ જણાવ્યો અને હું બોલાવું ત્યારે આવી જજો તેમ જણાવ્યું હતું.
આ દરમ્યાન 20 જૂન, 2022ના રોજ શ્રેયસ કે. શાહે તે બહેનને ઓફર લેટર આવી ગયો હોવાનું જણાવી યુનિવર્સિટીની ફી પેટે રોકડા રૂ. 10.50 લાખ માંગ્યાં. જેથી, વિજયરાજકુમારે તેઓને આરટીજીએસ મારફતે રૂ. 10.50 લાખ ટ્રાન્સફર કર્યા હતાં. જોકે, વિરોજકુમાર અને તેનો ભાઇ અવાર નવાર વિઝાની પ્રોસેસ બાબતે પૂછપરછ કરતાં પરંતુ શ્રેયસે ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા હતાં અને હું તમને અપડેટ આપતો રહીશ તેમજ ઇન્ટરવ્યુનો મેલ આવશે ત્યારે જણાવીશ. એમ બહાના બતાવતો.
એવામાં છેલ્લે 9 ઓગષ્ટ, 22ના રોજ છેલ્લી વાત થઇ હતી અને મેડિકલ ટેસ્ટ કરાવી લેજો તેવી વાત કરી હતી. જોકે, બાદમાં તેનો મોબાઇલ બંધ થઇ જતા ચિંતિત વિરાજકુમાર વિદ્યાનગર આવ્યાં કે જ્યાં ઓફિસને તાળા હતાં. આથી તેઓને છેતરાયાં હોવાનું લાગતા વિરાજકુમારે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસને પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે વિરાજકુમાર ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લાના અન્ય 12 વ્યક્તિ સાથે મળીને કુલ 50 લાખથી વધુની છેતરપિંડી આ દંપતિએ આચરી છે. આથી હાલમાં વિદ્યાનગર પોલીસે આ દંપતિ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.