ભારતે શાનદાર પર્ફોમન્સ કરતા પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધું છે. 148 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો. હાર્દિક પંડ્યાએ નવાઝના બોલ પર છગ્ગો લગાવીને ભારતને જીત અપાવી. હાર્દિક 33 રન બનાવીને અણનમ રહ્યા. ત્યારે કોહલી અને જાડેજા 33-33 રનોનું યોગદાન આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની જીત પર શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું કે, એશિયા કપ 2022ની આજની મેચમાં ભારતે અદભૂત ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ટીમે શાનદાર કૌશલ્ય અને દૃઢતા દર્શાવી છે, જીત પર અભિનંદન.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના મહામુકાબલામાં રોમાંચક જંગની આશા છે. ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ભારતે ભવ્ય જીત મેળવી છે.
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતે તેની ઘાતક બોલિંગને કારણે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 147 રનમાં સમેટી નાખ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને ભારતે 19.5 ઓવરમાં ઓલઆઉટ કરાવી દીધું હતું. ભારત વતી ભુવનેશ્વર કુમારે વિકેટનો ચોગ્ગો લગાવી દીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને 15 રન પર પહેલો ઝટકો લાગ્યો હતો. ભારતીય બોલર ભુવનેશ્વરે પાકિસ્તાની કેપ્ટન અને સ્કીપર બાબર આઝમને 10 રને આઉટ કરી દીધો હતો. ત્યાર બાદ આવેશખાને ફકર જમાનને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો.