કર્ણાટકમાં હિજાબને લઈને છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ આજે (29 ઓગસ્ટ) સુનાવણી કરશે. આ મામલો લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 24 માર્ચે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી માટે કોઈ ચોક્કસ તારીખ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું હતું કે હિજાબ ઈસ્લામનો આવશ્યક ભાગ નથી. એટલે કે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
27 ડિસેમ્બર, 2021 ના રોજ ઉડુપીની સરકારી કોલેજથી વિવાદ શરૂ થયો હતો, જ્યારે કેટલીક છોકરીઓને હિજાબ પહેરીને ક્લાસમાં જવાથી અટકાવવામાં આવી હતી. અહીંના પ્રિન્સિપાલ રુદ્ર ગૌડાના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બરે અચાનક હિજાબ પહેરેલી કેટલીક વિદ્યાર્થિનીએ ક્લાસમાં આવવાની પરવાનગી માંગી. જ્યારે પરવાનગી નકારવામાં આવી, ત્યારે વિરોધ શરૂ થયો. સુપ્રિમ કોર્ટે 2 ઓગસ્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અનેક અરજીઓ પર વિચારણા કરવા માટે બેન્ચની રચના કરવા સંમતિ આપી હતી. 13 જુલાઈના રોજ એડવોકેટ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) NV રમના (હવે નિવૃત્ત) ની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અરજીઓ લાંબા સમયથી સૂચિબદ્ધ નથી. જેના કારણે મુસ્લિમ છોકરીઓના શિક્ષણમાં અવરોધ આવી રહ્યો છે.