ઝારખંડના દુમકામાંથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. શાહરૂખ નામના યુવકે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા પચાવી ન શકતા 12મા ધોરણમાં ભણતી 19 વર્ષની યુવતીને જીવતી બાળી મૂકી. આ ઘટનામાં યુવતીનું મોત થઈ ગયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. પ્રશાસને કલમ 144 લાગૂ કરી છે.
દુમકા પોલીસ અધીક્ષક અંબર લકડાએ જણાવ્યું કે ઘટનામાં યુવતી 90 ટકા દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે રાંચી સ્થિત રિમ્સમાં દાખલ કરાઈ હતી. જ્યાં રવિવારે તેનું મોત નિપજ્યું. તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ દુમકા લાવવામાં આવશે. આ ઘટના બાદ યુવતીના જેરુવાહીડ મોહલ્લા સ્થિત ઘરે સુરક્ષાના વ્યાપક ઈન્તેજામ કરાયા. દુમકામાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ પણ નિયંત્રણમાં છે.
દુમકાના એસડીઓ મહેશ્વર મહતોએ જણાવ્યું કે યુવતીના મોતની સૂચના દુમકા પહોંચતા જ ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દોષિતને ફાંસીની સજા આપવાની માંગણી સાથે નારેબાજી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિને જોતા દુમકા શહેરમાં સીઆરપીસીની કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે 23 ઓગસ્ટના રોજ લઘુમતી સમુદાયથી આવતા શાહરૂખે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળતા પાડોશના વ્યવસાયી સંજીવ સિંહની 19 વર્ષની પુત્રી અંકિતા પર મોડી રાતે સૂતી વખતે બારીમાંથી પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. જેમાં તે 90 ટકા દાઝી ગઈ. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ અંકિતાને રાંચી સ્થિત રિમ્સમાં ખસેડાઈ હતી. જ્યાં કાર્યપાલક દંડાધિકારી ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન લીધુ. જેને હવે પીડિતાનું મૃત્યુપૂર્વ અંતિમ નિવેદન ગણી લેવાયું છે.
પોલીસે જણાવ્યું કે શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી અંકિતાને પરેશાન કરી રહ્યો હતો અને જ્યારે તે પ્રેમ સંબંધ માટે રાજી ન થઈ તો આરોપીએ ધમકી આપી હતી કે, જો મારું કહ્યું નહીં માને તો તને મારી નાખીશ. પોલીસે આરોપી યુવક શાહરૂખની ધરપકડ કરીને તેને જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરી છે.