ડોલરની સરખામણીએ રુપિયો આજે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચતા શેરબજારમાં અફરાતફરી મચી છે અને આજનો સોમવાર બ્લડી મંડે સાબિત થયો છે. બીજી તરફ યુએસ ફેડના ચીફ જેરોમ પોવેલે શુક્રવારે આપેલા નિવેદનની અસર ધાર્યા મુજબ આજે તમામ વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. એવી ધારણા પહેલા જ વ્યક્ત કરવામાં આવી હતી કે માર્કેટ સોમવારે તૂટશે પરંતુ આટલો મોટો કડાકો બોલશે તેવી આશા નહોતી.
યુએસ ફેડ ચીફ જેરોમ પોવેલે કહ્યું હતું કે જ્યાં સુધી યુએસમાં ફુગાવો તેની 9 ટકાની રેકોર્ડ ઊંચી સપાટીથી ઘટીને 2 ટકાની સહિષ્ણુતા મર્યાદા સુધી ન આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો થતો રહેશે. જેરોમ પોવેલનું જેકસન હોલ ખાતેનું ભાષણ સૂચવે છે કે ફુગાવો યુએસ ફેડની પ્રાથમિકતા યાદીમાં પ્રથમ ક્રમે છે. યુએસ ફેડ ફુગાવાને કાબૂમાં લેવા માટે વૃદ્ધિ સાથે સમાધાન પણ કરી શકે છે.
આજે બજારના સવારે 9.30 વાગ્યા સુધીમાં શેર લાલ નિશાનમાં કામ કરી રહ્યા છે. જ્યારે સૌથી વધુ આઈટી શેરોમાં ધોવાણ જોવા મળી રહ્યું છે.
ડોલરના મુકાબલે રુપિયો આજે 21 ટકા તૂટીને ખૂલ્યો છે. તેમજ તેના ખૂલ્યા બાદ રુપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 80.12ના રેકોર્ડ બ્રેક નિચલા સ્તરે જતો દેખાયો છે. તમને જણાવી દઈએ કે ગત કારોબારી સત્રમાં શુક્રવારે ડોલરના મુકાબલે રુપિયો 79.87ના સ્તરે બંધ થયો હતો. આ પહેલા ગત મહિને ડોલની સામે રુપિયો રેકોર્ડ લો 80.0650ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર 7 ટકા વધુ મજબૂત બન્યો છે. જેની અસર દુનિયાભરના શેરબજાર પર જોવા મળી રહી છે
સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ સૌથી વધુ ઘટાડાવાળા શેર છે. આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી આઈટી 3.85 ટકા સુધી નીચે લપસી ગયો છે. આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સો પણ લાલ નિશાનમાં છે. નિફ્ટી બેન્ક 1.95 ટકા, નિફ્ટી મેટ 2.24 ટકા, પીએસયુ બેન્ક 2.36 ટકા, ખાનગી બેન્ક 2 ટકા, ઓટો 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.