ભારતમાં મેડીકલ, એન્જીનીયરીંગ, સેન્ટ્રલ યુનિવર્સિટી તથા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ પધ્ધતિ શરુ કરવાની દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ માટે તૂર્તમાં એક નિષ્ણાંત જૂથની રચના કરવામાં આવશે તેના દ્વારા જુદી-જુદી એન્ટ્રન્સ પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને છૂટકારો અપાવવા માટેની ભલામણો સાથેનો રિપોર્ટ સરકારને સોંપાશે અને તેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે 2022માં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સીયુઇટી લાગુ પાડી હતી. હવે આવતા સમયમાં સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ શરુ થઇ શકે છે. યુજીસી દ્વારા એક્સપર્ટ ગ્રુપ બનાવવામાં આવશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીને જ આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટના વિચાર માટે સકારાત્મક અભિગમ રાખી રહ્યા છે અને તેમની મંજૂરી બાદ નિષ્ણાંત જૂથની રચના કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટનો અભ્યાસ કરીને ભલામણ સોંપાશે તેના પર સંબંધિત પક્ષકારોનાં સૂચનો મેળવવામાં આવશે અને તે પછી શિક્ષણ મંત્રાલય, યુજીસી અને નેશનલ ટેસ્ટીંગ એજન્સી સંયુક્ત રીતે અંતિમ નિર્ણય લેશે.
તેઓના કહેવા પ્રમાણે સીયુઇટી લાગુ કરવાનાં સારા પરિણામો મળ્યા છે. ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને સમાન તક મળી રહી છે. અત્યાર સુધી બોર્ડ એક્ઝામમાં સારા માર્કસ ન આવે તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશની તક ઓછી થઇ જતી હતી પરંતુ સીયુઇટીના કારણે હવે બરાબર તક સાંપડી રહી છે. યુજીસીનું એવું માનવું છે કે એન્જીનીયરીંગ, મેડીકલ અને યુનિવર્સિટીમાં પણ પ્રવેશ માટે અલગ-અલગ ટેસ્ટમાંથી વિદ્યાર્થીઓને છૂટકારો આપવામાં આવે.