ભાવનગર મહાપાલિકાનો ડ્રેનેજ કામનો કોન્ટ્રાક્ટ લેવામાં અને આર્થિક ગબન કરવામાં ભાજપના બે કોર્પોરેટર પંકજસિંહ ગોહિલ અને કુલદિપ પંડ્યાના નામ ઉછળ્યા છે. હાલાકી આ પ્રકરણમાં હજુ સુધી સત્તાવાર રીતે કઇ સામે આવ્યું નથી પરંતુ ભાજપના પ્રદેશ સંગઠન સુધી મામલો પહોંચતા બન્ને નગરસેવકોના સ્ટેન્ડીંગ કમિટીમાંથી સભ્ય પદેથી રાજીનામા લઇ લેવાયા છે. સ્ટેન્ડીંગ ચેરમેન ધામેલીયાએ ટેલિફોનીક વાતચિતમાં બન્ને નગરસેવકોએ અંગત કારણોસર અને વ્યસ્તતાના કારણે સ્ટેન્ડીંગના સભ્ય પદેથી રાજીનામા આપ્યા હોવાનું સત્તાવાર જણાવ્યું હતું.
કરોડોના ખર્ચે વિકાસના કાર્યો થઇ રહ્યા છે ત્યારે ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે. આ અંગે અનેક ચર્ચાઓ અને આક્ષેપો ઉઠતા રહે છે ત્યારે તાજેતરમાં ભાજપના પ્રદેશ સંગઠન સુધી કોઇએ મુદ્દાસર રજૂઆત કરી અને આધાર પુરાવા ટાંકી ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડના ભાજપના નગરસેવકો પંકજસિંહ ગોહિલ અને કુલદિપ પંડ્યા ડ્રેનેજના કોન્ટ્રાક્ટર સાથે મળેલા હોવાના અને દર મહિને રૂા.૨ લાખ મેળવતા હોવાની ફરિયાદ થઇ હતી. આ મામલે ભાજપના પ્રભારી ભાવનગર દોડી આવ્યા હતા અને તપાસ કરી નિવેદનો પણ લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમિયાનમાં બન્ને સભ્યોને સ્ટેન્ડીંગમાંથી રાજીનામા માંગી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાને આ અંગે પુછતા તેમણે બન્ને સભ્યોએ અંગત કારણોસર વ્યસ્તતાના કારણે રાજીનામા આપ્યા હોવાનું સ્વિકાર્યું હતું તેમજ પોતે રાજીનામાનો સ્વિકાર કરી સંગઠનને જાણ કરી દીધી હોવાનું તેમજ આગામી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીમાં નવા બે સભ્યોની નિમણૂંક કરવા કાર્ય હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
એક મહિલા કોર્પોરેટરના પતિનો પણ મહત્વનો રોલ ?!
ભાજપના વર્તુળોમાં ચર્ચા મુજબ શહેરના એક વોર્ડના ભાજપના મહિલા નગરસેવીકાના પતિએ પણ આ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીને કાગળો તૈયારી કરી દેવા તેમજ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ બાકીની ગતિવિધી પણ તેણે હાથ પર રાખી હતી.